રાજકોટમાં કાર ભાડે લઈને બારોબાર વહેંચી નાખવાનું કૌભાંડ પકડી પડતી ક્રાઇમ બ્રાન્ચ

તાજેતરમાં રાજકોટ શહેરમાં કાર ભાડે રાખી બારોબાર ગીરવે અથવા વેચી મારવાના ચાલતા મસમોટા રેકેટને ભેદવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા સાંપડી છે અને ભેજાબાજ બેલડી સામે અલગ અલગ પોલીસ મથકમાં પાંચ જેટલા ગુના દાખલ થયા બાદ ડીસીબી ટીમે જુદાં જુદાં શહેરોમાં દરોડા પાડી અંદાજે ૪ કરોડની કિંમતની ૬૦ જેટલી કાર કબજે કરી લીધી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા અલગ અલગ વેપારીઓનો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કરી રાજકોટનો કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગન પટેલ રહે. ખોડલધામ સોસાયટી કોઠારિયા અને સાગરિત બીલાલશા હશનશા શાહમદાર રહે.

જામનગરવાળો કાર ભાડા પર રાખી ભાડું કે કાર પરત ન આપી છેતરપિંડી આચરતા હોવાની એક ટ્રાવેલ્સ સંચાલકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પ્રથમ બી ડિવિઝન અને તાલુકા પોલીસમાં ગુના દાખલ થયા બાદ આ એક મોટું રેકેટ હોવાનું ધ્યાને આવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી બી.બી.બસિયાનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલિયા અને પીએસઆઈ એમ.જે.હુણની ટીમ તપાસમાં જોડાઈ હતી.

Share this news